કંસારા જ્ઞાતિનો ગૌરવવંતો ઇતિહાસ અને ઉત્પતિ = ૧ |
કાલિકા પુરાણમાં કંસારા જ્ઞાતિની કથા મળે છે |
સમગ્ર ભારત વર્ષનો સમાજ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો છ જેમ કે, ક્ષત્રિય, વણિક, બ્રાહ્મણ, સોની, લુહાર, કંસારા, કુંભાર, વાળંદ, કોળી છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ પ્રમાણે ચાર જ વર્ણ હતા. સમાજ વિસ્તાર થતા અવાન્તર જાતિઓ અસ્તિત્વમાં આવી, જેની ઉત્પતિ વિષે મનુસ્મૃતિ કે ઇતર સ્મૃતિઓમાં માહિતી ઉપલબ્ધ છે. ભિન્ન ભિન્ન જાતિઓની ચર્ચા છે જે સંસ્કૃત ગ્રંથોમાં છે આ મુજબ છે. (૧) જાતિવિવેક, (૨) બૃહજ્જાતિ વિવેક, (૩) માધવ કલ્પલત્તા, તથા (૪) પરશુરામ પ્રતાપ. ગ્રંથકારો ૧૩૪ જાતિઓ વર્ણવે છે. (૧) પરમાત્મામાંથી ઉત્પન્ન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર...- ૪ (૨) અનુલોમ લગ્ન દ્વારા મિશ્ર જાતિઓ...- ૬ (૩) પ્રતિલોમ લગ્ન દ્વારા મિશ્ર જાતિઓ....- ૬ (૪) વ્રાત્ય તથા સંકર જાતિઓ...- ૩૬ (૫) ક્ષત્રિયોએ બીજા ધંધા સ્વીકારવાથી (પરશુરામ પ્રતાપમાં ગણાવેલી) જાતિઓ...- ૮૨ કુલ...- ૧૩૪ આ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિઓની વિગત કેટલાક જ્ઞાાતિ પુરાણોમાં પ્રાપ્ત થાય છે જેમ કેઃ- (૧) શ્રીમાળી પુરાણ - શ્રીમાળી બ્રાહ્મણો, શ્રીમાળી વણિક, શ્રીમાળી સોની, ઓસવાલ અને પોરવાળ વણિકોની કથા. (૨) નાન્દી પુરાણ - નંદવાણા બ્રાહ્મણોની ઉત્પતિ (૩) ભાર્ગવ પુરાણ - ભાર્ગવ બ્રાહ્મણોની ઉત્પતિ (૪) ઉદીચ્ય પ્રકાશ - ઔદીચ્ય બ્રાહ્મણોની ઉત્પતિ (૫) નાગર ખંડ - નાગરોની ઉત્પતિ (૬) મોઢ પુરાણ - મોઢ બ્રાહ્મણ તથા મોઢ વણિકની ઉત્પતિ (૭) સરસ્વતી પુરાણ - સારસ્વતોની ઉત્પતિ (૮) અનાવિલ પુરાણ - અનાવિલ બ્રાહ્મણોની ઉત્પતિ (૯) શ્રીગૌડ પ્રકાશ - શ્રીગૌડ બ્રાહ્મણોની ઉત્પતિ (૧૦) મલ્લ પુરાણ - જેઠીમલ બ્રાહ્મણોની ઉત્પતિ (૧૧) પુરાતન બ્રહ્મક્ષેત્ર - ખેડાવાણ બ્રાહ્મણોની ઉત્પતિ (૧૨) રૈકવ માહાત્મ્ય - રાયકવાળ બ્રાહ્મણોની ઉત્પતિ (૧૩) વાયુવાટ્ પુરાણ - વાયડા બ્રાહ્મણ - વાયડા વણિકની ઉત્પતિ (૧૪) વાલખિલ્ય પુરાણ - ઝારોળાઓની ઉત્પતિ (૧૫) સાચીહરોપાખ્યાન - સાચોરાઓની ઉત્પતિ (૧૬) સિદ્ધવાટિકા માહાત્મ્ય - દીશાવાળ લોકોની ઉત્પતિ (૧૭) કોટયર્ક માહાત્મ્ય - ખડાયતાઓની ઉત્પતિ (૧૮) કંડુલ પુરાણ - કડોલિયા લોકોની ઉત્પતિ (૧૯) એકલિંગ માહાત્મ્ય - મેવાડાઓની ઉત્પતિ. આ ઉપરાંત પણ હિંગુલા પુરાણ (હિંગળાજના વંશજો), વિશ્વકર્મા પુરાણ (કારીગર વર્ગ- વિશ્વકર્માના વંશજો), કાલિકાપુરાણ (કંસારા જ્ઞાતિની ઉત્પતિ) વગેરે પુરાણો દ્વારા પણ માહિતી ઉપલબ્ધ થાય છે. ધાતુકલાનો વ્યવસાય કરતી મુખ્ય ત્રણ જ્ઞાતિઓ છે (૧) સુવર્ણકાર સોની - સોના તથા રૃપા કામ. (૨) કંસારા કે કાંસ્યકાર - કાંસુ, તાંબા, પિત્તળ, જરમન વિ. કામ. (૩) લુહાર કે લોહાર - લોઢા કામ આ પૈકી કંસારા સમાજની ઉત્પતિ કથા કાલિકા પુરાણમાં જોવા મળે છે. અમદાવાદના કંસારા જ્ઞાતિના પ્રાચીન કાલિકા મંદિરમાં મૂર્તિ ખંડિત માલુમ પડતાં નવી ઘડાવેલ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા સં. ૨૦૧૫ના વૈશાખ સુદ- ૫ બુધવારના તા. ૧૩-૫-૫૯ના દિને થઈ તેથી દર વર્ષે આ તિથિએ પાટોત્સવ નિમિત્તે ત્યાં કાલિકા પુરાણનું વાંચન થાય છે. ડો. અરૃણોદય એન. જાની (એમ.એ., પીએચડી, ડિ. લિટ, કાવ્યતીર્થ)એ કાલિકા પુરાણનો સંશોધાત્મક ગ્રંથ ૧૯૭૩માં બહાર પાડેલો છે. તેમણે આ પુસ્તક આલેખવા નાસિકના ગોર શ્રી મુરલીધર ડી. મહેતાનું માર્ગદર્શન મેળવેલ છે. સંશોધન દરમ્યાન તેમનો કાલિકા પુરાણના બે જુદા જુદા પ્રકારના પુસ્તકોની પ્રત પ્રાપ્ત થઈ. (૧) વિસનગરની પ્રત જે વિસનગરના શ્રી ચીમનલાલ કંસારાએ પૂરી પાડી. (૨) નાસિકની પ્રત જે કંસારા ગોર શ્રી મુરલીધર દામોદર મહેતાએ પૂરી પાડી આ બંને પોથીની કથાનો સમન્વય કરી શ્રી જાનીએ કાલિકાપુરાણ (અનુવાદ) પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથના આધારે આ લેખાંક પોરબંદરના શ્રી હરકાન્તભાઈ રાજપરાએ સંશોધાત્મક માહિતી તૈયાર કરેલી છે. કંસારા જ્ઞાાતિની ઉત્પતિ વિષેની એક કિવદંતી મુજબ પાંચ ક્ષત્રિય ભાઈઓ પાવાગઢ રહેતા હતા અને કાલિકાના ઝાંઝ વગાડી સેવા કરતા. તેમની ભક્તિથી માતાજી પ્રસન્ન થયા અને તેમને ધાતુ ઘડીને આજીવિકા શરૃ કરવા કહ્યું તથા તેઓ તેમના કુળદેવી થશે એવું વચન આપ્યું. ગુજરાતમાં કંસારાના મુખ્ય પાંચ જથ્થા છે. (૧) ચાંપાનેરી, (૨) મારુ, (૩) સિહોરા, (૪) અમદાવાદી, (૫) વિસનગરા. આ ઉપરાંત સુરતી કંસારા, કચ્છી કંસારા, કચ્છી કંસારાઓની જેવી વિવિધ પેટાજ્ઞાાતિઓ જોવા મળે છે. કાલિકા પુરાણ ઉપરાંત વિશ્વકર્મા પુરાણ મુજબ કંસારા જ્ઞાતિની ઉત્પતિ તપાસીએ તો વિશ્વકર્માના ત્રીજા પશ્ચિમ દિશાના અઘોર નામના મુખથી મુખ્ય અહભૂત ગોત્રમાં મૂળ પુરુષ ત્વષ્ટા નામે પ્રગટ કર્યો. આ ગોત્રમાં ઉત્પન્ન થયેલ પુરુષ તથા તેની સઘળી પ્રજાને ૨૫ ઉપગોત્રો કે ગણગોત્રો ફાળવ્યા. આ શાખામાં ત્રણ પ્રવર હોય છે. આ ગોત્રનો વેદ સામવેદ, ઉપવેદ ગાંધર્વવેદ નિયત કર્યો તથા હાક્ષાયણ સૂત્રનું અધ્યયન કરી તામ્ર સંહિતાને ગ્રહણ કરવા આજ્ઞાા કરી આરાધ્ય દેવ બ્રહ્માનું યજન કરવા આજ્ઞાા કરી. તેમજ વર્તુળાકાર કુંડમાં યજ્ઞા કરવા કહ્યું અને તામ્ર સંહિતાને આધારે તાંબા, પીત્તળ, કાંસુ જેવી ધાતુઓમાંથી બનતું શિલ્પકામ કરવા પ્રયોજ્યા. આ શાખાના મુખ્ય ૨૫ ગોત્રોના નામ (૧) સંવર્ત, (૨) યજ્ઞાપાલ, (૩) પ્રતિવક્ષ, (૪) કુશધર્મ, (૫) અતિધ્રાત, (૬) લોકેશ, (૭) પદ્મયજ્ઞા, (૮) વિનક્ષ, (૯) મોહમતી, (૧૦) વિશ્વરૃપ, (૧૧) ઉપાહભૂત, (૧૨) ભદ્રહક્ષ, (૧૩) કાંડવ, (૧૪) વિશ્વેશ, (૧૫) ત્રિમુખ, (૧૬) બૌધાયન, (૧૭) જાતરૃપ, (૧૮) ચિત્રસેન, (૧૯) જયસેન, (૨૦) વિદ્યનસ, (૨૧) પ્રમોન્નત, (૨૨) દેવલ, (૨૩) વિનવ, (૨૪) બ્રહ્મદિક્ષિત અને (૨૫) હરીધર્મા ગોત્રના મૂળપુરુષ ત્વષ્ટાના લગ્ન કૌશિક મુનિની પુત્રી જયંતિ સાથે થયા હતા. કંસારાઓની મુખ્ય અટકો તપાસીએ તો ગોરખીયા, ગોરસીયા, બુદ્ધ, શેઠ, દંગી, ગોરડિયા, ખાખી, ખોખરા, કાંગડા, દુધેલા, ફાજલીયા, ચીત્રલીયા, કડવાણી, કલથીયા, લાલાણી, માવાણી, મેવચા, પચ્ચીગર, બગાયા, બારમેડા તેમજ રાજપૂતી અટકો ભટ્ટી, ગોહિલ, પરમાર વગેરે જોવા મળે છે. કાલિકા પુરાણ મુજબ કંસારાઓ શ્રી વિષ્ણુ તથા લક્ષ્મીજી દ્વારા આવિર્ભાવ પામેલા હરિવંશી, હૈહય વંશી કહેવાય છે. આ વંશમાં સહસ્રાર્જુન થયા. વિસનગરની પોથીમાં ૩૦ અધ્યાયમાં કુલ ૨૩૯૮ શ્લોક છે જ્યારે નાસિકની પોથીમાં ૩૦ અધ્યાયમાં કુલ ૨૪૦૮ શ્લોક છે. શ્રીમાળ પુરાણ મુજબ શ્રીમાળ નગરમાં કંસારાઓના ૨૦૦૦ ઘર હતા. વિસનગરની પોથી અનુસાર વંશાવલી તપાસીએ તો રમણીક રાજાની બે પુત્રી (૧) વિદ્યુલ્લેખા યદુ ઉર્ફે હરિવર્મા વેરે પરણી જ્યારે (૨) હેમમંજરી તે હેમતુંગને પરણી, હરિવર્માનો એકવીર થયો જે હેમતુંગની પૌત્રી એકાવલિનેને પરણ્યો એકવીરનો કૃતવીર્ય (ભાનુમતીની પત્ની) અને તેનો કાર્તવીર્ય તથા કાર્તવીર્યનો પુત્ર સહસ્રાર્જુન થયો. નાસિકની પોથી મુજબ એકવીરને જયન્તીથી કૃતવીર્યે, કૃતવીર્યને હીરાવતીથી કાર્તવીર્ય અને કાર્તવીર્યને રાકાવતીથી સહસ્રાર્જુન થયો. કંસારા સમાજના જ્ઞાતિદેવી કાલિકા માતા છે. જેના મુખ્ય મંદિરો અમદાવાદ, નાસિક, સુરત, ઓજર, વડોદરા, નડિયાદ, ઉમરેઠ, ઉજ્જૈન, આમોદ, ખંભાત, ડભોઈ, ભરૃચ, વગેરે સ્થળોએ આવેલા છે. ધર્મની દ્રષ્ટિએ કંસારાઓ રામાનંદી, શૈવ કે વૈષ્ણવ (જમનાજીની ભક્તિનું પ્રાધાન્ય ધરાવતો જે ગોપાલ સંપ્રદાય) હોવા છતાં કાલિકાને ખૂબ માને છે. કંસારાના હુન્નરમાં ઉપયોગી ઓજારોના નામ તપાસીએએ તો આંકણી, સાણસી, કાંત, મઠાણું, રેખામણી, હાલકણી, હથોડો, હથોડી, ખોલવણું (પોયણી), સ્ટવ, ઘણ, કાંટો, કાટલાં, કાટખૂણો, પરકાર, મૂસ, ધમણ, એરણ, ખરબંડ, ખીલી, મેખ વિ. નામો જાણવા મળે છે. કાઠીયાવાડમાં શિહોરમાં અને ઉ. ગુજરાતમાં કડી અને વિસનગરમાં તાબા પિત્તળનું કલાત્મક કામ કરનારા કંસારાઓ છે. વાસણો ઉપરાંત બારીક કોતરણીવાળા ખડીયા, કલમ, પાનદાનીઓ, મૂર્તિઓ, દીવીઓ, ઘંટડીઓ વિ. બનાવે છે. સ્થળાંતર કરતા કંસારાઓ કલાઈ કરવાનું કે વાસણો સાંધવાનું કામ કરે છે. કચ્છી કંસારા સોનીઓ મીણકામ તથા જાસ્તી રૃપાના ઘડતરકામમાં માહેર હોય છે. (જસતના મેળવણવાળું જાસ્તી રૃપુ, કાળું ન પડે પણ ગલનબિંદુ નીચું થતા તેનું ઘાટકામ અઘરું પડે કામ કરતા તરત ઓગળે) કંસારાના ગોર તરીકે ઔદિચ્ય, મેવાડા, શ્રીગૌડ અને શ્રીમાળી બ્રાહ્મણો કામ કરે છે. મારુ તથા મારવાડી કંસારા જનોઈ પહેરે છે. આ કોમ સ્થળાંતર કરતી કોમ છે, તેમજ શહેરોમાં સ્થાયી થયેલ મહાજનો પણ કહેવાય છે. સ્વામી અખંડાનંદ કે જેનું સંન્યાસપૂર્વેનું નામ માણેકલાલ હતું તેઓનો જન્મ કંસારા જ્ઞાાતિમાં થયો હતો તેમને સંન્યાસ લેવો હતો પરંતુ 'તમે શુદ્ર છો, માટે તમને સંન્યાસનો અધિકાર નથી' એમ કહી કોઈએ સંન્યાસ દીક્ષા આપી નહીં. પરંતુ તેમણે કાલિકાપુરાણનો આધાર તેઓ ક્ષત્રિય સહસ્રાર્જુનના વંશજ છે, શુદ્ર નથી એમ સાબિત કર્યું તેથી સંન્યાસ આપવામાં આવેલો. કાલિકા પુરાણને પદ્મપુરાણના ઉત્તરખંડનો ભાગ વર્ણવ્યો છે. શૌનકની વિનંતી ધ્યાને લઈ સુતપુરાણી કાલિકાખ્યાન કરે છે. વિસનગરની પોથી અને નાસિકવારી બંને પોથીમાં ૧થી ૧૫ અધ્યાયમાં લગભગ સરખી વાત આવે છે. જ્યારે ૧૫થી ૨૦ અધ્યાયમાં ફેર રહે છે. ૧થી ૧૫ અધ્યાયમાં શરૃઆતમાં શુભ- નિશુંભની કથા આવે છે. જેના દૂતો ચંડ અને મુંડ કાલિકાને જોઈ શુંભ- નિશુંભને તેની સાથે પરણવા લલચાવે છે છેવટે દૈત્યોનો નાશ થાય છે, અને શાંતિ થાય છે. ચાર ગુહ્યકો આવી માતાજીને પગે પડે છે. માતાજીએ પૂછતાં તેઓ ઓળખાણ આપે છે કે, ''અમે ગંધમાદન પર્વત પર રહેનારા ગુહ્યકો છીએ. મતંગ મુનિના કાન આગળ અમે ઘંટડી વગાડી તેથી ગુસ્સે થઈ મુનિએ અમને શાપ આપ્યો. જાવ, મૃત્યુ લોકમાં જન્મ લ્યો અને ધાતુના વાસણો બનાવી આજીવિકા મેળવો.'' આમ આ ગુહ્યકો કંસારા થતા કુળદેવી કાલિકા બન્યા. આગળ ઉપર આ પુરાણમાં તારકાસુર વધની કથા આવે છે. શંકર વિવાહની કથા આવે છે. અહીં ૬૦,૦૦૦ વાલખિલ્યોની ઉત્પતિ કથા આવે છે, સમુદ્ર મંથન, શંકરે વિષ પીધુ તે કથા, રાહુ-કેતુની કથા આવે છે. હૈહય શબ્દની વ્યુત્પતિ વિસનગરની પોથી પ્રમાણે હયી (ઘોડી) અને હય (ઘોડો) બંને શબ્દ મળી ''હૈહય'' થયું. જ્યારે નાસિકની પોથી પ્રમાણે અહિ (સર્પ) અને હય (ઘોડી) બંને શબ્દ મળી 'હૈહય' થયું. વિસનગરની પોથી મુજબ (અ. ૧૫થી ૨૦) એક વખતે સૂર્યનો પુત્ર રેવંત વૈકુંઠમાં આવ્યો. લક્ષ્મી રેવંતના સુંદર ઘોડાને જોવામાં મશગુલ થયા તેથી વિષ્ણુની હાક સાંભળી શક્યા નહી તેથી વિષ્ણુએ લક્ષ્મીને ઘોડી જેવું મોઢું ધારણ કરી પૃથ્વી ઉપર અવતરવાનો શાપ આપ્યો તથા કહ્યું કે, લક્ષ્મીને પુત્ર થશે ત્યારબાદ તે વૈકુંઠમાં પાછી ફરશે. લક્ષ્મીને શંકરના વરદાનથી વિષ્ણુનો ઘોડા સ્વરૃપે સંગ થતા પુત્ર અવતરે છે વિષ્ણુ તથા લક્ષ્મી આ પુત્રને યયાતિના પુત્ર હરિવર્માને સોંપવાનું નક્કી કરે છે. ત્યારબાદ આ બાળક ચંપક વિદ્યાધરની પત્નીના હાથમાં આવતા ઇન્દ્રને આ બાળક વિષે પૂછે છે. ઇન્દ્ર જણાવે છે કે આ બાળક હાલ તપ કરતા હરિવર્મા માટે છે. તપ કરતા હરિવર્મા સમક્ષ વિષ્ણુ પ્રગટ થાય છે અને હરિવર્માને તે બાળક સ્વીકારવા સૂચવે છે. હરિવર્મા તે બાળકને લઈ પોતાની રાજધાની માયાપુરીમાં પરત થાય છે. બાળકનું નામ એકવીર એવું પાડે છે. આમ હૈહય વંશની કથા આગળ ચાલે છે. એકવીર દ્વારા ધૈનુક અને કાલકેતુ રાક્ષસોનો સંહાર, એકાવલી સાથે લગ્ન અને કૃતવીર્યનો જન્મ તથા ભાનુમતી સાથે લગ્ન અને કાર્તવીર્યનો જન્મ કાર્તવીર્યને ત્યાં ઠૂંઠા બાળકનો જન્મ, આ ઠૂંઠાએ દત્તાત્રેયનું તપ કર્યું તેથી વરદાનમાં ૧૦૦૦ હાથ પ્રાપ્ત થયા. આમ તે સહસ્રાર્જુન કહેવાયો તેણે નર્મદાતટે મહિષ્મતી નગરની સ્થાપના કરી. |
Saturday, 19 November 2011
Kansara Samaj History part - 1
Subscribe to:
Post Comments (Atom)
Thanks for sharing. . .
ReplyDelete